આજે ચારેબાજુ બૂમરાણ ઊઠીછે કે મૂલ્યોનું ધોવાણ થઈ રહ્યું છે. મૂલ્યોનું ધોવાણ કેમ થાય છે ?? શા માટે થાય છે ?? તે અંગે વિચારવાની જરૂર તો છે જ. વર્તમાન કાળની વાત કરીએ તો સત્તાની સાઠમારી , ધનાઢ્ય થવાની લાલસા , અમર્યાદ લોભવૃત્તિ , સર્વોપરી થવાની મહત્વકાંક્ષાં , જાતિય નિરંકુશતા , અને માનવીય ગુણસંપન્નતાનો અભાવ , અંધશ્રધ્ધા , નશાખોરી વગેરે જવાબદાર છે. આમ કેમ થયું , એમ કોઈ પૂછી શકે , તો કહેવું પડે કે ભૂતકાળમાં અને આજે પણ આપણે માણસની સ્વતંત્રતા , સમાનતાનો મનથી સ્વીકાર કરી શક્યા નથી તેને કારણે મૂલ્યોનો નાશ થવા માંડ્યો છે.
ઉચ્ચ-નીચના ભેદભાવો , પુરૂષ અને નારીના ભેદભાવો , ગરીબ-તવંગરના ભેદભાવો , સાંપ્રદાયિક , સાક્ષર-નિરક્ષર , કુલવંશ તેમજ જ્ઞાતિજન્ય અભિમાનમાંથી જન્મતા ભેદભાવ વગેરેને કારણે સમાજમાં વિષમતા પેદા થઈ ગઈ છે. પછી ભલે ને આપણે ભારતીય સંસ્કૃતિનાં ગાણાં ગાવામાંથી પરવારતા ન હોઈએ,મહાભારત શું કહે છે ?? પાંડવો જુગાર રમવામાં હારી ગયા ત્યારે દ્રૌપદીને હોડમાં મૂકી દીધી,આ તે શું કહેવાય ?? એ સમયમાં પત્ની પુરુષની માલિકીની ગણાતી હતી. અને આજે પણ પુરુષાધિન સમાજનું માનસિક વલણ એવું ને એવું જ રહ્યું છે. , કારણ કે તેમાં નારીની સ્વતંત્રતા અને સમાનતાનો અભાવ કારણભૂત છે. પહેલાના સમયમાં જે સાત પાપો નામે જાણીતા હતા તેવી વાતો આજે પણ જોવા મળે છે.
(૧) સિદ્રાંત વિહોણી રાજનીતિ
(૨) શ્રમવિહીન સંપત્તિ
(૩) નીતિવિહીન વ્યાપાર
(૪) ચારિત્ર-વિહીન શિક્ષણ
(૫) વિવેકવિહીન આનંદ
(૬) માનવતા વિહીન વિશ્રામ
(૭) ત્યાગવિહીન પૂજા